સુરનગર ગામ
સુરનગર ગામ વિષે (ઐતિહાસિક વિગત)
સુરનગર ગામ ગુજરાત રાજ્યના ભવ્ય અને ઐતિહાસિક ગામોમાંનું એક છે. આ ગામની સ્થાપના મહારાજા સુરસિંહજી ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. તેમના નામ પરથી આ ગામને "સુરનગર" તરીકે ઓળખ અપાઈ છે. સુરનગરમાં આજેય એવા પુરાવા જોવા મળે છે જે એની ઐતિહાસિકતા અને ધરોહરને ઉજાગર કરે છે.
ગામમાં એક જાણીતો જૂનો કૂવો છે જે "સુરસાગર" તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા જ્યારે નર્મદા કે નળ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ ન હતી, ત્યારે ગામના લોકો પાણી માટે સુરસાગર કૂવા પર જ નિર્ભર રહેતા. આજે પણ આ કૂવો ગામના ઇતિહાસનો એક જીવંત સાક્ષી છે.
શૈક્ષણિક રીતે પણ સુરનગર ગામે ઉત્તમ વિકાસ કર્યો છે. અહીં એક પ્રાથમિક શાળા કાર્યરત છે. ઉપરાંત ધોરણ 10 અને 12 સુધીનું શિક્ષણ આપવા માટે શ્રી કે.એમ. બોરડા સરસ્વતી વિદ્યાલય નામની ઉન્નત શૈક્ષણિક સંસ્થા છે, જે ગામ અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું ઉન્નત કેન્દ્ર બની છે.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીંના ઉષ્મકટિબંધીય હવામાનને અનુકૂળ ખેતીની વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. ખેતી ઉપરાંત, સુરનગરમાં હીરાના કારખાનાઓ પણ સારી સંખ્યામાં આવેલી છે. આશરે 15 જેટલા ગામના હીરાકારીગરો અહીં રોજગારી મેળવતા હોય છે, જે ગામની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.
સુરનગર ગામમાં વિવિધ જાતિ અને વ્યવસાયના લોકો વસે છે. ગામની વસતીમાં મુખ્યત્વે પટેલ, કોળી, મેઘવાળ, દેવીપૂજક, દરજી, સુથાર, લુહાર, બ્રાહ્મણ, સાધુ, વાળંદ, સોની અને વાલ્મીકિ સમાજના લોકોનો સમાવેશ થાય છે. આ બધા સમુદાયો સાથે મળી રહે છે અને ગામના સમૂહિક વિકાસ માટે જોડાઈને કાર્ય કરે છે.
સુરનગર માત્ર એક ગામ નહીં પરંતુ એક સંસ્કૃતિ, એક ઇતિહાસ અને એક સમાજવાદી ભાવનાનું પ્રતિબિંબ છે – જ્યાં શાંતિ, શ્રમ અને સહકારના આધાર પર જીવન યાત્રા ચાલી રહી છે.